તમે બધા ચીનની દિવાલ વિશે જાણતા જ હશો કે તે વિશ્વની સૌથી મોટી દિવાલ છે. પરંતુ જ્યારે દુનિયાની સૌથી જૂની દિવાલની વાત આવે છે ત્યારે ‘ચાઇનાની દિવાલ ‘ પાછળ રહી જાય છે. આ દીવાલ ભારતમાં આવેલી છે. થોડા લોકો આ દિવાલ વિશે જાણે છે, પરંતુ તે ‘ધ ગ્રેટ વોલ ઓફ ચાઈના’ કરતાં વધુ પ્રાચીન છે.
બિહારની આ મહાન દિવાલ, બિહારના નાલંદામાં રાજગીરની ટેકરીઓ પર સ્થિત છે, જે વિશ્વની સૌથી જૂની દિવાલ માનવામાં આવે છે. ‘મૌર્ય સામ્રાજ્ય’ની આ રક્ષણાત્મક કવચને સાયક્લોપીયન વોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવાલ સેંકડો વર્ષ જૂની છે. 1987માં, તેને ‘વર્લ્ડ હેરિટેજ’ની યાદીમાં સમાવવામાં આવી હતી.
એવું કહેવાય છે કે આ દિવાલ મૌર્ય વંશના શાસકોએ ત્રીજી સદી પૂર્વે તેમની રાજધાનીને બહારના આક્રમણકારો અને દુશ્મનોથી બચાવવાના હેતુથી બનાવી હતી. રાજગૃહ (રાજગીર) મગધ સામ્રાજ્ય દરમિયાન સમૃદ્ધ શહેર હતું. તેથી, બાહ્ય આક્રમણકારોનો ભય અહીં પણ રહ્યો. ચૂનાના પત્થરથી બનેલી આ દિવાલનાં પથ્થરો પર તમને ‘માયસેનિયન સ્થાપત્ય’ની ઝલક પણ મળશે.
તમને જણાવી દઈએ કે ‘પાલી ગ્રંથો’માં પણ આ ઐતિહાસિક દિવાલનો ઉલ્લેખ અગત્યનો છે. આમાં, આ દિવાલ દ્વારા, ‘રાજગૃહ’ની સુરક્ષાની બાબત લખાઈ છે. પાલી ગ્રંથો અનુસાર, કિલ્લાવાળા શહેરમાં પ્રવેશવા માટે 32 મોટા દરવાજા અને 64 નાના દરવાજા હતા. આ દરમિયાન, દર 5 યાર્ડમાં એક સૈનિક તૈનાત હતો. થોડા થોડા અંતરે છોડી દેવાયેલા કિલ્લેબંધી પણ દિવાલને મજબૂત કરવા માટે બનાવવામાં આવી હતી.
બિહારના રાજગીરમાં આવેલી ‘સાયક્લોપીયન વોલ’ 4 મીટર ઊંચી અને લગભગ 40 કિલોમીટર લાંબી છે. આ પ્રાચીન દિવાલના અવશેષો નાલંદા અને નવાદા જિલ્લાની સરહદને અડીને આવેલા રાજગીરમાં સ્થિત વનગંગાની બંને બાજુએ ટેકરીઓ પર કેટલાક કિલોમીટર ઉપર હાજર છે. આ દિવાલ વનગંગાના પશ્ચિમ વિસ્તારની સોનાગિરિ પર્વતમાળાઓ અને પૂર્વ વિસ્તારની ઉદયગીરી પર્વતમાળાઓ સુધી વિસ્તરેલી છે.
આ દિવાલ બનાવવા માટે એક ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિવાલનો બહારનો ભાગ મોટા પથ્થરોથી બનેલો છે, જ્યારે મધ્ય ભાગમાં નાના પથ્થરો નાખવામાં આવ્યા છે. રાજગીરની ટેકરીઓ પર બનેલી આ પ્રાચીન દીવાલનો નોંધપાત્ર ભાગ હજુ પણ ત્યાં હાજર છે, જે ટેકરીના પાયાથી ઢાળ તરફ શરૂ થાય છે.
આજે આ પ્રાચીન દિવાલનો મોટાભાગનો ભાગ ખંડેર થઈ ગયો છે. તેના અવશેષો આજે પણ ખંડેરના રૂપમાં હાજર છે. જોકે, હવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તેની જાળવણી કરવામાં આવે છે.