કહેવાય છે કે જ્યારે ઉપરવાળો આપે છે ત્યારે તે છપ્પર ફાડીને આપે છે. આવું જ કંઈક મધ્યપ્રદેશના 4 કામદારો સાથે થયું., મધ્યપ્રદેશના પન્ના જીલ્લામાં એક મજૂર અને તેના ત્રણ સાથીઓનું ભાવિ રાતોરાત ફેરવાઈ ગયું. ચારેયને 8.22 કેરેટનો હીરા મળ્યો, જેની કિંમત 40 લાખ છે.
એક અહેવાલ મુજબ અધિકારીઓએ જણાવ્યું કે રતનલાલ પ્રજાપતિ અને તેના સહયોગીઓએ હીરાપુર ટાપરીયા વિસ્તારમાં તેમની લીઝ પર લીધેલી જમીનમાં આ હીરા મળ્યા છે. પન્ના જિલ્લા મેજિસ્ટ્રેટ સંજયકુમાર મિશ્રાએ જણાવ્યું કે આ ચારેયે સોમવારે જિલ્લાની ડાયમંડ ઓફિસમાં હીરા જમા કરાવ્યા.
રતનલાલ દ્વારા શોધવામાં આવેલા હીરાને અન્ય રત્નો સાથે 21 સપ્ટેમ્બરના રોજ હરાજી માટે મૂકવામાં આવશે. રઘુવીર પ્રજાપતિના સહયોગી રતનલાલ પ્રજાપતિએ જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી તેઓ હીરાની જુદી જુદી ખાણોમાં હીરા શોધી રહ્યા હતા અને સોમવારે તેમનું નસીબ પલટાયું.
રઘુવીરે જણાવ્યું કે છેલ્લા 15 વર્ષથી તે અલગ અલગ ખાણો લીઝ પર લઈને હીરાની શોધમાં હતો પરંતુ તેને કંઈ મળ્યું નહીં. જ્યાંથી તેને હીરા મળ્યા તે વિસ્તારમાં પણ તે છેલ્લા 6 મહિનાથી હીરાની શોધમાં હતો. રઘુવીરે જણાવ્યું કે તમામ સાથીઓ તેમના જીવનમાં સુધારો કરશે અને હીરાની હરાજીમાંથી મળેલા પૈસાથી તેમના બાળકોને શિક્ષિત કરશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હરાજીમાં મળેલા નાણાંમાંથી સરકારની રોયલ્ટી અને ટેક્સ બાદ કર્યા બાદ બાકીની રકમ હીરા શોધકોને આપવામાં આવશે.
મધ્યપ્રદેશનો પન્ના જિલ્લો હીરાની ખાણો માટે પ્રખ્યાત છે.