રાજકુમાર હિરાની બોલિવૂડના એક એવાં દિગ્દર્શક છે જેની સાથે મોટા સ્ટાર્સ કામ કરવા ઉત્સુક છે. હિરાનીએ પોતાના સશક્ત નિર્દેશનથી બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તે ઈન્ડસ્ટ્રીના એવા કેટલાક નિર્દેશકોમાંથી એક છે જે ફિલ્મોની વાર્તાના મામલે ખૂબ જ સાવધાન રહે છે. તે 4-5 વર્ષમાં 1 ફિલ્મનું નિર્દેશન કરી રહ્યાં છે અને જ્યારે પણ તે આવે છે, ત્યારે તે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે.
રાજકુમાર હિરાની બોલિવૂડના એવા દિગ્દર્શકોમાંથી એક છે, જેમના નામની ફિલ્મો સુપરહિટ થાય છે. દેશના ટોચના દિગ્દર્શકોમાંના એક હિરાની એક એવા ફિલ્મ નિર્માતા પણ છે જેમની ફિલ્મો આજ સુધી ફ્લોપ નથી થઈ, અત્યાર સુધીની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ છે.
જ્યારે રાજકુમાર હિરાનીએ 20 વર્ષ પહેલાં દિગ્દર્શનની દુનિયામાં પગ મૂક્યો ત્યારે કોઈએ કલ્પના પણ કરી ન હતી કે ભારતને દાદાસાહેબ ફાળકે, સત્યજીત રે, ગુરુ દત્ત, મૃણાલ સેન, અદૂર ગોપાલકૃષ્ણન અને એસ.એસ. રાજામૌલીની જેમ રાજકુમાર હિરાનીના રૂપમાં એક મહાન ફિલ્મ સર્જક મળશે. હિરાનીની વાર્તા કહેવાની દ્રષ્ટિ ઘણી વિશાળ છે, જે બોલિવૂડના અન્ય દિગ્દર્શકોમાં જોવા મળતી નથી.
હિરાની એડવર્ટાઇઝિંગ વર્લ્ડના રાજા
રાજકુમાર હિરાનીને 90ના દાયકામાં જાહેરાતની દુનિયાના બાદશાહ કહેવામાં આવતા હતા. આ દરમિયાન તેણે ઘણી સુપરહિટ જાહેરાતો કરી. તેમાં ફેવિકોલ, 7 અપ, કાઇનેટિક લુના, રસના, વિક્સ, સર્ફ, ઓગિલવી અને માથેરનો સમાવેશ થાય છે. ડાયરેક્ટર ઉપરાંત હિરાણી ‘વીડિયો એડિટર’ પણ રહી ચૂક્યા છે.
જાહેરાતની દુનિયા છોડ્યા પછી, તેઓ વિધુ વિનોદ ચોપરા સાથે જોડાયા અને તેમની ફિલ્મો 1942: અ લવ સ્ટોરી (1994) અને કરિબ (1998)ના પ્રોમો અને ટ્રેલર રાજકુમાર હિરાની દ્વારા બનાવવામાં આવ્યા હતા. ચાલો હવે જાણીએ બોલીવુડના સૌથી સફળ નિર્દેશક રાજકુમાર હિરાનીની 5 બ્લોકબસ્ટર ફિલ્મો વિશે.
1- મુન્નાભાઈ MBBS
રાજકુમાર હિરાનીએ વર્ષ 2003માં સંજય દત્ત, ગ્રેસી સિંઘ અને અરશદ વારસી અભિનીત મુન્નાભાઈ M.B.B.S. સાથે નિર્દેશક તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. લગભગ 10 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે 41 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
2- લગે રહો મુન્નાભાઈ
રાજકુમાર હિરાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વર્ષ 2006માં રિલીઝ થઈ હતી. મુન્નાભાઈ એમબીબીએસનો આ બીજો ભાગ હતો. લગે રહો મુન્નાભાઈમાં સંજય દત્ત, વિદ્યા બાલન અને અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં હતા. આશરે રૂ. 20 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં રૂ. 126 કરોડની કમાણી કરી હતી.
3- 3 ઈડિયટ્સ
આમિર ખાન, આર માધવન, શર્મન જોષી અને કરીના કપૂર અભિનીત આ ફિલ્મ દેશની શિક્ષણ પ્રણાલી પર કટાક્ષ કરતી જોવા મળી હતી. વર્ષ 2009માં રિલીઝ થયેલી ફિલ્મ 3 ઈડિયટ્સે બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. લગભગ રૂ. 55 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં રૂ. 400 કરોડની કમાણી કરી હતી.
4- પીકે
આમિર ખાન, અનુષ્કા શર્મા, સંજય દત્ત અને સુશાંત સિંહ સ્ટારર પીકે વર્ષ 2014માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. લગભગ રૂ. 85 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં રૂ. 760.71 કરોડની કમાણી કરી હતી.
5- સંજુ
રણબીર કપૂર, સોનમ કપૂર, વિકી કૌશલ અને અનુષ્કા શર્મા સ્ટારર સંજુ વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સંજય દત્તના જીવન પર બની હતી. આશરે રૂ. 96 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં રૂ. 586.85 કરોડની કમાણી કરી હતી.