મળો કેરળની 10 વર્ષની લિટલ સુપર ફાસ્ટ માસ્ટરશેફ સાનવી એમ. પ્રજિથ, જેણે 1 કલાકમાં 33 પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને ‘એશિયા બુક ઑફ રેકોર્ડ્સ’માં પોતાનું નામ નોંધાવ્યું છે.
સાનવીના આ કાર્યથી દરેકને આશ્ચર્ય થયું છે. આ દરમિયાન સાનવીએ ઈડલી, ઉત્તપમ, મશરૂમ ટિક્કા, પાપડી ચાટ, વેફલ, ફ્રાઈડ રાઈસ, ચિકન રોસ્ટ, પેનકેક, અપ્પમ અને ઘણું બધું બનાવીને બધાને ચોંકાવી દીધા હતા. એશિયામાં કોઈપણ 10 વર્ષના બાળક દ્વારા એક કલાકમાં 33 વાનગીઓ બનાવવાનો આ રેકોર્ડ છે.
સાનવીના પિતા પ્રજિથ બાબુ કેરળના એર્નાકુલમના રહેવાસી છે, તેઓ એરફોર્સમાં વિંગ કમાન્ડર છે. તેનો પરિવાર હાલમાં વિશાખાપટ્ટનમમાં રહે છે. સાનવીએ 29 ઓગસ્ટે 10 વર્ષ 06 મહિના અને 12 દિવસની ઉંમરમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે સાનવીએ ઘરેથી આ સ્પર્ધામાં ઓનલાઈન ભાગ લીધો હતો. આ દરમિયાન ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’ ઓથોરિટીએ તેને આ કારનામું કરતા જોયો. સાનવીએ આ રેકોર્ડનો વીડિયો તેની યુટ્યુબ ચેનલ ‘સાંવી ક્લાઉડ 9’ પર પણ મૂક્યો છે. ખાવાની સાથે તે આ ચેનલ પર ડાન્સના વીડિયો પણ મૂકે છે.
સાનવીના આ રેકોર્ડ વિશે તેની માતા મંજીમાએ ફેસબુક પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે, મને જણાવતા અત્યંત આનંદ અને ગર્વ થાય છે કે મારી પુત્રીએ 33 વાનગીઓ બનાવીને ‘એશિયા બુક ઓફ રેકોર્ડ’માં પોતાનું નામ નોંધાવ્યું છે.
સાનવીની માતા મંજીમાએ કહ્યું કે, ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’ ઓનલાઈનના બે અધિકારીઓ સાક્ષી હતા કે સાનવી 1 કલાકમાં 33 વાનગીઓ બનાવતી હતી. મારી દીકરીને નાનપણથી જ રસોઈ બનાવવાનો શોખ છે અને તે આ કૌશલ્યને આગળ વધારવા માંગે છે.
આ દરમિયાન સાનવીએ કહ્યું કે તે તેની માતા, સ્ટાર શેફ અને રિયાલિટી કૂકરી શોના ફાઇનલિસ્ટથી પ્રેરિત છે. મેં બાળકોના કુકરી શોમાં પણ ભાગ લીધો હતો, જેણે મને ઘણી ઓળખ આપી હતી.