દૈનિક ટોલ કલેક્શન ફાસ્ટેગ દ્વારા લગભગ 104 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા(NHAI)એ શુક્રવારે આ માહિતી આપી. NHAIએ જણાવ્યું હતું કે, 16 ફેબ્રુઆરીથી ફાસ્ટેગ દ્વારા ટોલ કલેક્શનમાં સતત વધારો નોંધવામાં આવ્યો છે, ત્યારબાદ ટોલ પ્લાઝા પરથી પસાર થતાં મુસાફરોને ફાસ્ટેગ દ્વારા ટોલ ચાર્જ ચૂકવવાનું ફરજિયાત બનાવ્યું છે.
NHAIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “આ અઠવાડિયા દરમિયાન ટોલ કલેક્શન દરરોજ 100 કરોડ રૂપિયાથી વધુનો રહ્યો છે. 25 ફેબ્રુઆરી, 2021ના રોજ ફાસ્ટેગ દ્વારા ટોલ કલેક્શન અત્યાર સુધીમાં સૌથી વધુ રહ્યું હતું, જેમાં રૂપિયા 64.5 લાખથી વધુની ચુકવણી કરવામાં આવી છે.”
ફાસ્ટેગના સરળ અમલીકરણને પગલે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ટ્રાન્ઝેક્શનની દ્રષ્ટિએ 20% અને ફાસ્ટેગ દ્વારા ઉપયોગકર્તા ફીના સંગ્રહની દ્રષ્ટિએ 27%નો વધારો થયો છે.
NHAIએ કહ્યું કે ફાસ્ટેગના અભિયાનને હાઇવે ઉપયોગકર્તાઓનો સારો સહયોગ મળ્યો છે. કારણ કે છેલ્લા બે અઠવાડિયા દરમિયાન લગભગ 2 મિલિયન નવા ફાસ્ટેગ ઉપયોગકર્તાઓ ઉમેર્યા છે, જે પછી કુલ ફાસ્ટેગ જારી કરવાની સંખ્યા 28 મિલિયન થઈ ગઈ છે. ફાસ્ટેગના અમલીકરણથી નેશનલ હાઇવે ફી પ્લાઝા પર પ્રતીક્ષામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેની અસરથી ઉપયોગકર્તાનો અનુભવ સુધર્યો છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાઈવે યુઝર્સના ફાસ્ટેગને સતત અપનાવવાથી માત્ર પ્રોત્સાહક જ નથી, પરંતુ તે ટોલ કામગીરીને વધુ સારી રીતે ચલાવવામાં પણ મદદ કરશે. આ ભવિષ્યમાં માર્ગ સંપત્તિનું સચોટ મૂલ્યાંકન કરશે અને વધુ રોકાણકારોને દેશમાં હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરશે.