જ્યારે પણ બે દેશો વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે તે દેશોના નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અન્ય દેશોમાંથી જે લોકો ત્યાં ભણવા, કામ કરવા અથવા ફરવા આવે છે, તેમને પણ જીવના જોખમનો સામનો કરવો પડે છે. ભારત જેવા દેશ માટે આ સમસ્યા ઘણી વધારે છે. કારણ કે, આપણા દેશમાંથી મોટી સંખ્યામાં લોકો બહારના દેશોમાં રહે છે.
આવી સ્થિતિમાં, તમામ દેશો તેમના નાગરિકોને બહાર કાઢવા માટે મોટા ઓપરેશન ચલાવે છે. ભારતે ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને તેમના વતન પરત લાવવા માટે વિશ્વભરમાં યુદ્ધગ્રસ્ત અને અશાંત વિસ્તારોમાં અનેક જટિલ અને મોટા સ્થળાંતર કામગીરી હાથ ધરી છે. તો ચાલો ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા કેટલાક મુખ્ય સ્થળાંતર મિશન પર એક નજર કરીએ.
1. કુવૈત એરલિફ્ટ 1990
1990માં જ્યારે ગલ્ફ વોર શરૂ થયું ત્યારે ત્યાં ફસાયેલા અઢી લાખ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવાનો મોટો પડકાર હતો. લગભગ એક લાખ ઈરાની સૈનિકો કુવૈતમાં પ્રવેશ્યા હતા. ભારતીય નાગરિકો સમજી શક્યા ન હતા કે તેમનો જીવ કેવી રીતે બચાવવો અને ભારત પરત કેવી રીતે આવવું. તે સમયે ભારત સરકારે આ બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર ઓપરેશનમાં લગભગ 1 લાખ 70 હજાર ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યા હતા.
2. ઓપરેશન સુકૂન 2006
ઇઝરાયેલ-લેબનોન યુદ્ધ 2006માં થયું હતું. જેમાં ઘણા ભારતીય નાગરિકો સહિત શ્રીલંકન અને નેપાળના નાગરિકો ફસાયા હતા. ત્યારબાદ ભારત સરકારે ઓપરેશન સુકૂન અથવા ‘બેરૂત સીલિફ્ટ’ શરૂ કર્યું. ભારતીય સશસ્ત્ર દળોની મદદથી 2,000થી વધુ લોકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા હતા.
3. ઓપરેશન સેફ હોમકમિંગ 2011
2011માં, લિબિયામાં ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું. કર્નલ ગદ્દાફીની આગેવાની હેઠળની સેના અને વિદ્રોહી દળો એકબીજા સાથે અથડામણ કરી. તે સમયે 15,000થી વધુ ભારતીય નાગરિકો ત્યાં ફસાયેલા હતા. ત્યારબાદ ભારત સરકારે ઓપરેશન સેફ હોમકમિંગ શરૂ કર્યું. સરકાર તેના નાગરિકોને હવાઈ અને દરિયાઈ માર્ગે ભારત પરત લાવ્યા હતા.
4. ઓપરેશન રાહત 2015
ભારતીય સશસ્ત્ર દળોએ 2015માં ઓપરેશન રાહત શરૂ કરી, જ્યારે યમન સરકાર અને હુથી બળવાખોરો સંઘર્ષમાં ફસાયા. સંઘર્ષ દરમિયાન 5 હજારથી વધુ ભારતીયો યમનમાં ફસાયા હતા. તેઓને વિશેષ ફ્લાઈટ અને દરિયાઈ માર્ગે પણ ભારત પરત લાવવામાં આવ્યા હતા. તેમજ આ મિશન દ્વારા 26 દેશોના 900થી વધુ વિદેશી નાગરિકોને પણ પરત લાવવામાં આવ્યા હતા.
5. વંદે ભારત મિશન 2020
જ્યારે વિશ્વમાં કોવિડ-19 રોગચાળો ફેલાયો ત્યારે લાખો ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો વિદેશમાં અટવાઈ ગયા હતા. વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આવા કપરા સંજોગોમાં ભારત સરકારે પરત ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી. આ મિશનને કોઈપણ દેશ દ્વારા શાંતિના સમયમાં હાથ ધરવામાં આવેલા સૌથી મોટા નાગરિક બચાવ અભિયાનોમાંનું એક માનવામાં આવે છે. આ અંતર્ગત લગભગ 50 લાખ ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા.
6. ઓપરેશન ગંગા 2022
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં 20,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેમને બચાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે. ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં લગભગ 2000 ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં આવ્યા છે. બાકીના વિદ્યાર્થીઓને પણ પરત લાવવાના પ્રયાસો ચાલુ છે.