ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અરવિંદ રાઠોડનું 80 વર્ષની ઉંમરે અવસાન થયું છે. છેલ્લાં ઘણાં સમયથી તેઓ અમદાવાદમાં રહેતા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને કોઈપણ વ્યક્તિના સંપર્કમાં નહોતા. અમદાવાદમાં તેઓ પાલડી વિસ્તારમાં રહેતા હતા. અરવિંદ રાઠોડ પત્રકારમાંથી અભિનેતા બન્યા હતા. તેમણે ગુજરાતી તેમજ હિંદી એમ બંને ફિલ્મમાં કામ કર્યું છે. અરવિંદ રાઠોડ ગુજરાતી સિનેમામાં હંમેશા વિલનનો રોલ જ નિભાવતા હતા.
અરવિંદ રાઠોડના પિતા દરજીકામ કરતા હતા, જોકે તેમણે પિતાના વ્યવસાયના પંથે ન ચાલવાનો નિર્ણય કર્યો હતો. સ્કૂલ તથા કોલેજમાં અભિનય ક્ષેત્રે અનેક પ્રસિધ્ધી મેળવનાર અરવિંદ રાઠોડે નાટકમાં કામ કર્યું હતું. તેમણે બોલિવૂડ-ગુજરાતી એક્ટ્રેસ અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક ‘મોટા ઘરની વહુ’માં કામ કર્યા બાદ બીજા ઘણા બધા નાટકોમાં પણ કામ કર્યું હતું.
1967-68માં વિનોદ જાનીના નાટક ‘પ્રીત પિયુ ને પાનેતર’માં કામ કરવાને કારણે તેઓ મુંબઈ આવ્યા હતા. અહીં ફોટો-જર્નલિસ્ટ તરીકે કામ કરતા અને રાજ કપૂરે ફિલ્મ ‘મેરા નામ જોકર’માં નાનકડી ભૂમિકા આપી હતી. આ રીતે અરવિંદ રાઠોડ મોટી સ્ક્રીન સાથે પણ જોડાઈ ગયા હતા.
250થી વધુ ફિલ્મમાં કામ કર્યું
અરવિંદ રાઠોડે 70ના દશકમાં અભિનયની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ‘જ્હોની ઉસકા નામ’, ‘બદનામ ફરિશ્તે’, ‘મહાસતી સાવિત્રી’, ‘કોરા કાગઝ’, ‘ભાદર તારા વહેતા પાણી’, ‘સોન કંસારી’, ‘સલામ મેમસાબ’, ‘ગંગા સતી’, ‘મણિયારો’, ‘જાગ્યા ત્યારથી સવાર’, ‘મા ખોડલ તારો ખમકારો’, ‘મા તેરે આંગન નગારા બાજે’, ‘અગ્નિપથ’, ‘ખુદા ગવાહ’, ‘અબ તો આજા સાજન મેરે’ સહિત 250થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું.
છેલ્લે 2018માં ફિલ્મ ‘ટેન્શન થઈ ગયું’માં જોવા મળ્યા હતા
અરવિંદ રાઠોડે ટીવી સિરિયલ ‘થોડી ખુશી થોડે ગમ’માં પણ કામ કર્યું હતું. છેલ્લે તેઓ 2018માં ગુજરાતી ફિલ્મ ‘ટેન્શન થઈ ગયું’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં શ્રીદત્ત વ્યાસે ડાઇરેક્ટરનું પદ સંભાળ્યું હતું.
ઘૂંટણના ઓપરેશન વખતે પરિવારના કોઈ સભ્યો હાજર નહોતા
2015માં અરવિંદ રાઠોડે તાત્કાલિક ઘૂંટણનું ઓપરેશન અમદાવાદમાં કરાવ્યું હતું. આ સમયે તેમના પરિવારના કોઈ સભ્યો હાજર રહ્યા નહોતા. ગાંધીનગરમાં શો દરમિયાન તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી, આથી જ તેમણે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું હતું. 23 જૂન, 2015ના રોજ ગાંધીનગર ખાતે તેમનું નાટક ‘મારી તો અરજી, બાકી તમારી મરજી’ દરમિયાન તેમણે 12 પેઇનકિલર ગોળી ખાઈને નાટક ભજવ્યું હતું. તેમના પગ વળી જતા હતા. દર્શકોને એવું હતું કે અરવિંદ રાઠોડના પાત્રની ચાલ એવી છે, પરંતુ વાસ્તવમાં અરવિંદ રાઠોડ વ્યવસ્થિત રીતે ચાલી પણ શકતા નહોતા. જોકે તેમણે સતત સવા બે કલાકનું નાટક પૂરું કર્યું અને પછી સીધા ડોક્ટર પાસે ગયા હતા.
ડોક્ટરે એક્સરે કરાવીને તાત્કાલિક એડમિટ કર્યા. વિવિધ જાતના રિપોર્ટ કર્યા અને પછી બીજા દિવસે સવારે બંને ઘૂંટણનું રિપ્લેસમેન્ટ કરાવવામાં આવ્યું હતું. તેમના ઘૂંટણ 80% જેટલાં ખરાબ થઈ ગયાં હતાં. તેમની સાથે તેમનાં પત્ની પદ્મારાણી હતાં, પરંતુ તેમને મુંબઈ રવાના કરી દીધાં અને ઓપરેશનની પાંચ મિનિટ પહેલાં જ તેમને ફોન કર્યો હતો. આ રીતે અરવિંદ રાઠોડે ઓપરેશન દરમિયાન તેમનાં પત્ની કે પરિવારના અન્ય કોઈપણ સભ્યને સાથે રાખ્યા નહોતા.
અમદાવાદમાં સંબંધીને ત્યાં રહ્યા હતા
ઓપરેશન બાદ અરવિંદ રાઠોડ થોડા દિવસ સુધી પોતાના એક નજીકના સંબંધીને ત્યાં રહ્યા હતા. અહીં આરામ કરીને પછી તેઓ મુંબઈ જતાં રહ્યા હતા.