મે મહિનામાં જ્યારે બીજી લહેરે દેશ પર હાહાકાર મચાવ્યો હતો, ત્યારે તેની માતા પણ જીવન -મરણની લડાઈ લડી રહી હતી. અમિત કુમારની માતાને કોવિડ -19 ભરખી ગયો. અમિતે હાર ન માની, અને 15 ઓગસ્ટના રોજ તેણે દેશનું નામ રોશન કર્યું. એક અહેવાલ મુજબ, અમિતે કેડેટ યુથ વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
ધોરણ 11ના વિદ્યાર્થી અમિતે જણાવ્યું કે તેની માતા ગયા બાદ તે તૂટી ગયો હતો. પિતા અને કોચે તેને સમજાવ્યું કે જે બન્યું તે બદલી શકાતું નથી અને તેને તેના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું. અમિતે કહ્યું, “મારા કોચ અને પિતાએ મને પ્રોત્સાહન આપ્યું અને મેં મારું ધ્યાન વર્લ્ડ ચેમ્પિયનશિપ પર કેન્દ્રિત કર્યું.”
ભારતની 3 સભ્યોની રિકર્વ ટીમે ફ્રાન્સને 5-3થી હરાવ્યું. મધ્યપ્રદેશના અમિતના પિતા ટ્રક ડ્રાઈવર છે અને તેને બાળપણથી જ તીર અને ધનુષમાં રસ હતો.
“મારા કાકા જબલપુરમાં રહે છે. હું તેમની પાસે ગયો અને પછી મને એમપી એકેડમી વિશે ખબર પડી. તેમણે મને ટેકો આપ્યો. મને એકેડમીમાં પસંદ કરવામાં આવ્યો અને 2016થી મેં એકેડમીમાં જવાનું શરૂ કર્યું. રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મધ્યપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું. “, અમિતે કહ્યું.
બીજા લોકડાઉન છતાં અમિત કુમારે વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી ચાલુ રાખી. તેમની માતાનું નિધન તેમના માટે મોટો આઘાત હતો. એમપી એકેડમી અને ભારતીય ટીમના કોચ રિચપાલ સિંહે જણાવ્યું કે અમિતે પ્રથમ દિવસથી જ પ્રતિભા બતાવવાનું શરૂ કર્યું. “તેની માતાને ગુમાવ્યા પછી પણ, તેણે રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અમિત હંમેશા રાજ્ય અને દેશ માટે મેડલ જીતવા માટે તૈયાર છે. તીરંદાજીની વરિષ્ઠ કેટેગરીમાં પણ તેનું મોટું નામ હશે.”, રિચપાલ સિંહે કહ્યું.
હવે પછી અમિતના જીવનનું લક્ષ્ય ઓલિમ્પિક મેડલ જીતવાનું છે.